
આઈટમ સોંગ, આઈટમ નંબર કે ડાંસ ગર્લ જેવા નામોથી જાણીતા ગીતોનું ચલણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ નવું નથી. હેલનથી લઈને કલ્પના ઐયર, હુમા ખાન, મલાઈકા અરોરા, સમિરા રેડ્ડી, કરિના કપૂર, ઈશા કોપીકર અને છેલ્લે સેક્સી રાખી સાવંત સુધી બધા જ આઈટમ સોંગ કરવાના દિવાના છે.

‘ક્રેઝી-4' ફિલ્મનું આઈટમ સોંગ રાખી સાંવતે કર્યું છે અને કહે છે કે, ‘દેખતા હૈ તુ કયા..' તેમાં જ તેનો જવાબ પણ છે. દર્શકની દેખવાની અને નિર્માતા-દિગ્દર્શકની દેખાડવાની ગરજને લીધે આઈટમ સોંગને જે રીતે ધૂમ-ધડાકા અને ઉત્તેજકતા સાથે રજુ કરવામાં આવે છે. આમ, નિર્માતા-દિગ્દર્શકની સાથે દર્શકો પણ આઈટમ ગર્લ કે બોયને જોઇને પોતાનો સ્વાર્થ શોધી લે છે.
આજે તો હીરો-હિરોઈન પણ આઈટમ સોંગની શાન વધારવામાં પોતાની શાન માને છે, આથી જ શાહરૂખ ખાન થી લઇને રૂત્વિક રોશન સુધી બધાને આઇટમ સોંગ્સમાં રસ છે. બાકી એક સમયે એવા લોકોને આઈટમ સોંગમાં લેવામાં આવતા જેમની ઈમેજ આઈટમ સોંગને અનુરૂપ હોય.
નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશન કહે છે કે, હાલના આઇટમ ગીતો જેવાજ ગીતો વિજય આનંદની ફિલ્મોમાં પણ હતા, જેમ કે ‘તીસરી મંઝિલ' ફિલ્મનો હેલનનો ડાંસ, પણ ત્યારે તેને આઈટમ સોંગ કહેવામાં નહોતા આવતા. મારી દૃષ્ટિએ આઈટમ સોંગ એ છે જેને ફિલ્મની વાર્તા સાથે સંબંધ ન હોય. મારી ફિલ્મ ‘ક્રેઝી-4'માં જે ગીતો છે તે ફિલ્મની વાર્તાનો જ એક ભાગ છે. શાહરુખે ‘ક્રેઝી-4'માં જે ડાંસ નંબર કર્યો છે તે કથા મુજબ છે. ફિલ્મના પાત્રો એક એવોર્ડ સમારોહમાં જાય છે અને ત્યાં શાહરુખ પરફોર્મ કરી રહ્યો હોય છે. આવી જ રીતે રાખી સાવંતવાળું ગીત પણ વાર્તાને અનુરૂપ છે.
રાકેશ રોશન ભલે તેમની ફિલ્મના ડાંસ વિશે ગમે તે કહે, પણ ફિલ્મમાં ગરજ અનુસાર ગીત ધુસાડવાની પ્રથા પેદા કરવી એ ડાબા હાથનો ખેલ છે. માત્ર ફિલ્મના કોઈ પાત્ર પાસે એકાદ સંવાદ બોલાવડાવી લો એટલે ડાંસ શરૂ થઈ જાય અને રાતોરાત આઈટમ ડાંસ કરનારી છોકરી હોટપ્રોપર્ટી પણ બની જાય છે.

આ સેક્સી ગીતો વિશે રાખી સાવંત તેની જ એક નવી ફિલ્મ ‘હોર્ન ઓ. કે. પ્લીઝ'ના આઈટમ સોંગના શબ્દોનું ઉદાહરણ આપે છે. આ ગીતના શબ્દો છે ‘નથની ઉતાર દે...રાતિ ગુજાર લે મેરે સંગ...' આવા સેક્સી શબ્દો હવેની ફિલ્મોમાં સામાન્ય હશે. રાખીએ આ ગીત ગણેશ આચાર્યના ડાંસ ડાયરેકશનમાં નાના પાટેકર સાથે કર્યું છે. આ એ જ ગીત છે, જે દરમિયાન નાના અને તનુશ્રી વચ્ચે તકરાર થઈ હતી અને પરિણામસ્વરૂપે ફિલ્મમાંથી તનુશ્રી આઉટ થઈ ગઈ અને રાખીની એંટ્રી થઇ.. રાખી હવે તેની સરખામણી ઐશ્વર્યા સાથે કરી રહી છે.
તાજેતરમાં સૌથી લોકપ્રિય થયેલા આઈટમ ડાંસની વાત કરીએ તો ‘બંટી ઔર બબલી'નું ગીત ‘કજરારે...' સૌથી ઉપર આવે છે. ગુલઝારના ચાબુક જેવા શબ્દો, વૈભવી મર્ચન્ટની તીખી કોરિયોગ્રાફી, ઐશ્વર્યાના લટકા-ઝટકા અને તેના પર અમિતાભ-અભિષેકની પિતા-પુત્રની અનોખી જોડીનો ડાંસ. બીજું દર્શકોને શું જોઈએ?
આઈટમ સોંગના ગરમા-ગરમ શબ્દો હોય કે ઉત્તેજક ડાંસ સ્ટેપ્સ. ગોવિંદ નિહલાની જેવા આર્ટ ફિલ્મોના દિગ્દર્શક પણ તેમાં કંઈ ખોટુ નથી જોતા. તેઓ કહે છે કે ‘મને પણ આ પ્રકારના આઈટમ સોંગ બહુ ગમે છે. આપણી ફિલ્મોમાં ઘણા સમયથી આ પ્રકારના ગીતો જોડાયેલા છે. મેં ‘તક્ષક'માં પણ આવું એક ગીત રાખ્યું હતું.
આઈટમ ગીતમાં થતાં અંગપ્રદર્શનથી પણ ગોવિંદ નિહલાનીને વાંધો નથી. તેઓ કહે છે કે ‘અંગપ્રદર્શન તો ફિલ્મમાં આઈટમ સોંગ વગર પણ કરી શકાય છે. આઈટમ સોંગની ખૂબી એ છે કે તેમાં જમાવટ કરવી પડે છે. તેના પ્રોડકશનમાં પૈસા પણ બહુ જ ખર્ચવામાં આવે છે. જો તેને મસાલેદાર બનાવવું હોય તો આ બધું કરવું જ પડે છે. દર્શકો માટે હું આને વધારાનો લાભ માનું છું.
નંબર વન આઈટમ ગર્લ રાખી સાવંત કહે છે કે આઈટમ સોંગથી અમારું નસીબ રાતોરાત બદલાઈ જાય છે. અમને સ્ટેજ શોની ઢગલાબંધ ઓફર મળવા લાગે છે. આવો ચમત્કાર તો પૂરી ફિલ્મ કરવાથી પણ નથી થતો. જોકે આવા ગીતો ઐશ્વર્યાજી જેવી મોટી હિરોઈનોએ ના કરવા જોઈએ. હું તેને બહુ મોટી અભિનેત્રી માનું છું. તેને તો ઘણા સારા સારા રોલ મળી શકે છે. ડાંસ નંબર તો મારા જેવી અભિનેત્રી માટે ઠીક છે.' - રાખી સાવંત

જ્યારે સમીરા રેડ્ડી કહે છે કે, ફિલ્મોમાં માત્ર ગ્લેમર અને ગીતોથી કોઈની કારકિર્દી નથી બનતી, તે માટે કંઈક હટકે કરી બતાવવું જરૂરી છે. સેકસી અવતાર ધારણ કર્યા વગર કોઈ હિરોઈન ધેર-ધેર નથી પહોંચી શકતી. હવે તો હિરોઇનોમાં પણ સેક્સી દેખાવવાની સ્પર્ધા જામી છે..
સમીરા એમના વિશે જણાવે છે કે, હમણાં જ મેં આઈપીએલની મેચ દરમિયાન પરફોર્મ કર્યું છે. શો વગેરેમાં પણ ઘણી વ્યસ્ત રહું છું. આ સિવાય અરુણા રાજે લિખિત વાર્તા ‘રેડ એલર્ટ' પર કામ કરી રહી છું, જેનું દિગ્દર્શન અનંત મહાદેવન કરવાના છે. આ ફિલ્મ નકસલવાદ પર આધારિત છે, જેમાં મારા રોલ દ્વારા દર્શકોને જાણવા મળશે કે લોકો નકસલી કેમ બને છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટી, આયેશા ધારકર અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો પણ છે.
મને લોકો સેક્સી કહે તે મને ગમે છે અને મને નથી લાગતું કે આમાં કોઈને વાંધો હોય. રાની મુખરજી અને ઐશ્વર્યા રાયે પણ તેમની કારકિર્દીમાં સેકસી રોલ કર્યા છે.
આમ આઇટમ ગીતથી બોલિવૂડની હિરોઈનો એક વાત માનતી થઈ ગઈ કે જો સેટઅપ સારો હોય તો આઈટમ ડાંસ કરવામાં કંઈ ખોટું નહીં. આઇટમ સોંગ ખરેખર આઇટમી હોય તો બોકસઓફિસ પર ધૂમ મચાવી શકે છે.
શ્રેણીઓ: blog, બોલીવુડની હોટ ...
2008
લોડ થઈ રહ્યું છે...